બાઇડન, મેક્રોન પછી સ્ટાર્મરે પણ UNSCમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું

યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ગુરુવારે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ના કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશને સમર્થન આપ્યું હતું. અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને ફ્રાન્સના એમેન્યુઅલ મેક્રોને પણ આ મહત્ત્વની વૈશ્વિક સંસ્થામાં ભારતના સમાવેશને સમર્થન આપ્યું હતું.

ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 79 સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે યુએનએસસીમાં સુધારા લાવીને તેમાં વધુ પ્રતિનિધિત્વ જરૂરી છે.

હાલમાં યુએનએસસીમાં પાંચ કાયમી સભ્યો અને 10 અસ્થાયી સભ્ય દેશોનો સમાવેશ થાય છે. પાંચ કાયમી સભ્યો રશિયા, યુકે, ચીન, ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ છે, જે કોઈપણ ઠરાવ સામે વીટો વાપરવાની સત્તા ધરાવે છે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે અમે કાઉન્સિલમાં બ્રાઝિલ, ભારત, જાપાન અને જર્મનીને કાયમી સભ્યો તરીકે ઇચ્છીએ છીએ. કાઉન્સિલમાં આફ્રિકાને પણ કાયમી પ્રતિનિધિત્વ મળવું જોઇએ. કાઉન્સિલમાં ચૂંટાયેલા દેશો માટે વધુ બેઠકો પણ અમે જોવા માગીએ છીએ.

આ પહેલા બુધવારે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોને પણ યુએન જનરલ એસેમ્બલીમાં યુએનએસસીના સ્થાયી સભ્ય તરીકે ભારતના સમાવેશને મજબૂત સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સિક્યોરિટી કાઉન્સિલ બ્લોક હશે ત્યાં સુધી આગળ વધવાનું મુશ્કેલ બનશે. તેથી યુનાઇટેડ નેશન્સને વધુ અસરકારક બનાવવાની જરૂર છે. તે માટે તેમાં વધુ પ્રતિનિધિત્વ જરૂરી છે. ફ્રાન્સ સિક્યોરિટી કાઉન્સિલના વિસ્તરણની તરફેણ કરે છે. જર્મની, જાપાન, ભારત અને બ્રાઝિલને કાયમી સભ્યો બનાવવા જોઇએ. આ ઉપરાંત આફ્રિકાને બે દેશોનો સમાવેશ કરવો જોઇએ.

અગાઉના અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શનિવારે વિલ્મિંગ્ટન ખાતેના તેમના ઘરે તેમની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે યુ.એસ. યુએન સુરક્ષા પરિષદમાં નવી દિલ્હી માટે કાયમી સભ્યપદ સહિત ભારતના મહત્વપૂર્ણ અવાજને પ્રતિબિંબિત કરવા વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની પહેલને સમર્થન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *